Input Content

સુખી અને સમૃદ્વ ગામના અગ્રણીય આગેવાન ધના પટેલને આખા શરીરમાં ચામડી નીચે કંઇક ફરકે એવો અવરનવર આભાસ થાય. બપોરે આરામ કરતા હોય કે રાત્રે સૂતી વખતે વારેઘડીએ આવું થાય જેથી ઊંઘ બરાબર ન આવે. થોડી આવે અને જાગી જવાય. પડખાં વારેઘડીએ ફેરવવાં પડે.

એકવડા બાંધાના ધના પટેલ જ્યારે મારાં દવાખાને આવ્યા ત્યારે એમના ચહેરા પર ચિંતા અને ગ્લાની છવાયેલાં હતાં. બોલવામાં પણ અચકાતા હતા. છેલ્લા બે વર્ષથી આ તકલીફ એમને છે. ગામડાના દાક્તરની ઘણી દવા કરી, ઇંજેક્શનો લીધાં પણ કંઇ જ ફરક ન પડ્યો.

ભુજના સારા ગણાતા દાક્તરોને પણ બતાવ્યું, દવાઓ પણ ખાધી, માલીસ કરી, શેક કર્યા પણ ચામડી નીચે ફરકવાનું દર્દ કાબૂમાં ન આવ્યું. દાક્તરોએ ઊંઘની ગોળી આપીને નિંદ્રા તો આણી પણ એનાથી માથાનો દુ:ખાવો ચાલુ થયો અને ઘેનની ગોળી વગર ઉંઘ હરામ થઇ ગઇ, કમરનો દુ:ખાવો ચાલુ થયો, ઘણા વખત શરીર ચસાકા મારવા લાગ્યું અને શરીરમાં પતંગીયું ફરકતું હોય એવો આભાસ થવા લાગ્યો.

સૌ પ્રથમ એમની ખાવાપીવાની રૂઢિ પર બંધી મૂકી.

ધના પટેલનો ખાવા-પીવામાં બાફેલો ખોરાક. અન્ય ખોરાક બંધી રખાવી મુખ્યત્વે બાફેલા મગ અને બાફેલું દુધીનું શાક લેવાનું, સવારે નરણા પેટે સૂંઠ-દિવેલનો ઉકાળો લેવાની વિગત આપી.

રોજ બે વખત શરીરમાં મહાનારાયણ કે અશ્વગંધા તેલની માલીસ કરીને ગરમ પાણીને સ્નાન કારવાની ભલામણ કરી, અશ્વગંધા ચૂર્ણ અને ગંથોડાનું ચૂર્ણ પાંચ પાંચ ગ્રામ દોઢ કપ દુધમાં નાખીને એટલા જ પાણીમાં થોડી ખાંડ નાખી ધીમાં તાપે ઊકાળવું. પાણીનો ભાગ બળી જાય ત્યારે ઊતારીને પીવાય તેવું નવશેકું ગાળીને પી જવું. સવાર-સાંજ આ પ્રમાણે તૈયાર કરેલું દુધ પીવું.

બીજું કંઇ જ ખાવા-પિવામાં લેવાનું નહોતું. બે અઠવાડીયા પછી બાફેલા મગ અને બાફેલું દુધીનું શાક સાથે કોરી રોટલી લેવાની છુટ આપી,ફણગાવેલા મગ પણ બાફીને લેવાની રજા આપી.

ખાવા-પીવામાં આદુ, મરી અને હીંગ-લસણનો વપરાશ વધારે કરવાનો હતો. કોઇ પણ ઊપચારે શરીરમાં વાયુ ઓછો કરવાનો હતો.

અઠવાડીયે થોડી રાહત દેખાઇ. પંદર દિવસે દર્દ ઘણું ઓછું. મહિનામાં દર્દ ગાયબ. ખાવા-પીવામાં બટેટા, કોબેજ, ગોવારનું શાક જેવાં વાયડા પદાર્થો બંધ કરાવ્યાં. એ સિવાય ધનાભાઇને વાલ પાપડી ખાવાનો બહુ શોખ. જે મેં પરાણે એમનાં શાકનાં લીસ્ટમાંથી દુર કરાવ્યો. બીજી બધી છુટ આપી. બહુ ઠંડા પદાર્થો પણ ન લેવા. ખોરાક ગરમ ગરમ લેવાની સૂચના આપી.

ત્યાર પછી ધના પટેલને આજ સુધી ચામડી નીચે કંઇક ફરકવાની તકલીફ થઇ નથી. અને અન્ય કોઇ ગેસ-વાયુની તકલીફ પણ જણાઇ નથી.

No Comment

Comments are closed.